જેતપુર પંથકમાં ધોલાઈ ઘાટના ઝગડામાં પ્રૌઢની હત્યા, યુવાનની હાલત ગંભીર

દેરડી ગામે કૌટુંબિક ભાઈઓના બે જૂથ વચ્ચે કુહાડી, ધારિયા ઉડયા સરકારી હોસ્પિટલે બંને જૂથના લોકો ઉમટતા તંગદિલી, કારમાંથી મળ્યા હથિયારોઃ દેરડી, મોણપરમાં ચુસ્ત બંદોબસ્ત

જેતપુર તાલુકાના દેરડી ગામે સાડીના ધોલાઈ ઘાટના ડખ્ખામાં આજે સવારના અરસામાં કૌટુંબિક પરિવારોના બે જૂથ વચ્ચે થયેલી સશસ્ત્ર અથડામણમાં પ્રૌઢને ગંભીર ઈજા થતા મોત થયું હતું.જયારે સામે પક્ષે એક યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો. જેતપુર સરકારી હોસ્પિટલે બંને જૂથના લોકો ઉમટી પડતા તંગદીલી સર્જાતા પોલીસ દોડી હતી અને બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસે હોસ્પિટલ ખાતેથી હથિયારો ભરેલી કાર ઝડપી લીધી હતી તથા બનાવના પગલે પરિસ્થિતિ વણસે નહીં તે માટે દેરડી તથા મોણપર ગામે સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

મળતી વિગતો અનુસાર અઠવાડીયા પહેલા સાડીના ઘાટ મામલે મોણપર ગામ ખાતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. આ માથાકૂટના કારણે બંને જૂથ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો અને તેનો ભયાનક અંજામ આજરોજ આવ્યો છે. જેમાં આજરોજ સવારના ૯ વાગ્યા આસપાસ જગુભાઈ ઉર્ફે કટુભાઈ ધાંધલ (ઉ.વ.૫૪) દેરડી ગામે બેઠા હત્યા. ત્યારે સામેના જૂથના રવુભાઈ ધાંધલે તેમના પર હુમલો કર્યો હતો. કુહાડી અને ધારીયા જેવા હથિયારોથી હિચકારો હુમલો થતા બંને પક્ષ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

દરમિયાન જગુભાઈ ઉર્ફે કટુભાઈ ધાંધલ અને સામાપક્ષે રવુભાઈ ધાંધલ ઘાયલ થયા હતા. ઘાયલ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોકટરે જગુભાઈ ઉર્ફે કટુભાઈ ધાંધલને મૃત જાહેર કર્યા હતા. જ્યારે રવુભાઈ ધાંધલને ગંભીર ઈજાઓ પહોંચ્યા સારવાર માટે પ્રથમ જેતપુર બાદ જુનાગઢ રિફર કરાયા હતા.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બંને જુથ વિરૂધ્ધ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ હોસ્પિટલ ખાતે એક પક્ષ મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે જ્યારે બીજૂ જૂથ સારવાર માટે હાજર હોય મોટી તણાવભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના પગલે પોલીસે કોઈ ઘર્ષણ કે અગમ્ય ઘટના ન ઘટે માટે ભારે બંદોબસ્ત મુકી દેવાયો હતો.

આ જૂથ અથડામણમાં જેઓની હત્યા થયેલ છે તે જગુભાઈ ઉર્ફે કટુભાઈ ધાંધલ જેતપુર તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ ધાંધલના કૌટુબીકભાઈ થાય છે.આ ઘટનાને પગલે તાલુકાનાં દેરડી ગામે તેમજ જેતપુર સરકારી હોસ્પીટલમાં બંને જૂથના લોકોનાં ધાડેધાડા ઉમટી પડયા હતા. આ ઘટનાને પગલે પરિસ્થિતિ વણસે નહિં તે માટે પોલીસે દેરડી તથા મોણપર ગામે બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ દરમિયાન બનાવમાં પોલીસને જેતપુર સરકારી હોસ્પિટલમાં થી હથીયારો ભરેલી કાર પણ પકડી પાડી હતી આ બનાવ અંગે મૃતક જગુભાઈ ઉર્ફે કટુભાઈના મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે રાજકોટ ખાતે મોકલી પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *