[ad_1]
મોરબી40 મિનિટ પહેલા
માતાજીની આરાધના માટે તો આયખું આખું ટૂંકું પડે, પણ મોરબીમાં યોજનાર પ્રાચીન ગરબીમાં ગરબે રમતી નાની-નાની બાળાઓ જાણે માતાના ચરણકમળમાં રાસ રમતી હોય તે જોવાનો લ્હાવો પણ કૈંક અલગ છે. ત્યારે મોરબી શહેરના લખધીરવાસમાં જય માતાજી ગરબી મંડળ દ્વારા યોજાનારી ગરબીમાં પણ બાળાઓના અનોખા રાસને કારણે બાળાઓમાં સ્વયં માતાજીના દર્શન કરીને ઉપસ્થિત જનમેદની અભિભૂત થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ રાસની તૈયારી માટે બાળાઓ નવરાત્રીના દોઢ મહિના અગાઉથી પ્રેક્ટિસ કરતી હોય છે.
તમારા વિસ્તારની સોસાયટી કે શેરી ગરબાની નવરાત્રિ LIVE જોવા ડાઉનલોડ કરો
દિવ્યભાસ્કર એપ…
છેલ્લા 40 વર્ષથી માતાજીની ગરબીનું આયોજન
આ અંગે લખધીરવાસમાં યોજાઇ રહેલી જય માતાજી ગરબી મંડળના આયોજક ઝાલા પ્રદ્યુમનસિંહ ખુમાનસિંહ ઉર્ફે પદુભાએ ગરબીની વિવિધ વિશેષતાઓ અંગે વિગતે છણાવટ કરતા જણાવ્યું હતું કે, લખધીરવાસમાં છેલ્લા 40 વર્ષથી માતાજીની ગરબીનું આયોજન થાય છે. જેમાં 140થી વધુ બાળાઓ નિયમિત રીતે મા અંબાના ગરબા ગાઈને નવરાત્રિ પર્વની ઉજવણી કરે છે. તેમાં હિંદુ-મુસ્લિમ એકતાનો અનેરો સમન્વય જોવા મળે છે. જ્યાં હિન્દુ અને મુસ્લિમ બાળાઓ એક સાથે ચાચરના ચોકમાં અંબાના નવલા નોરતામાં ગરબા રમીને ભક્તિ ભાવપૂર્વક નવરાત્રી પર્વની ઉજવણી કરે છે તેવું તેમણે જણાવ્યું હતું. તેઓ છેલ્લા પાંચ વર્ષથી આ આયોજન મંડળમાં જોડાયેલા છે અને કોઈ ચાર્જ બાળાઓ પાસેથી લેતા નથી અને જે કોઈ સ્વૈચ્છીક તેમને ફાળો આપે એ સ્વીકારવામાં આવે છે. તેમના લખધીરવાસ મિત્ર મંડળમાં ઝવેરી શેરી, વાળંદ શેરી, કબીર ટેકરી તથા મકરાણીવાસથી માંડી અને ખાટકીવાસ સુધીના વિસ્તારોમાંથી લોકો ગરબી જોવા ઉમટી પડે છે અને ત્યાંથી બાળાઓ પણ ગરબા રમવા આવે છે તેવુ તેમણે જણાવ્યું હતું.
હિંદુ-મુસ્લિમ એકતાનો અનેરો સમન્વય
વધુમાં તેમણે જણાવ્યું હતું કે લતીપરથી ખાસ વેલનાથ રાસ મંડળની ટીમને પણ લખધીરવાસમાં આમંત્રિત કરવામાં આવી હતી. નોંધનીય છે કે વેલનાથ રાસ મંડળ દ્વારા ગૌ માતાના લાભાર્થે રાસ મંડળનું આયોજન કરવામાં આવે છે અને તેમને જે સ્વૈચ્છિક ફાળો મળે છે તેનો વેલનાથ ગ્રુપ સ્વીકાર કરે છે અને પ્રેક્ષકોને પોતાના આગવા રાસથી મંત્રમુગ્ધ કરે છે તેવું તેમણે જણાવ્યું હતું.